- Opinion
- શંકરસિંહ ગમે તેટલા ગાજે, ભાજપને કંઈ જ નુકસાન પહોચાડી શકે તેમ નથી
શંકરસિંહ ગમે તેટલા ગાજે, ભાજપને કંઈ જ નુકસાન પહોચાડી શકે તેમ નથી

ગુજરાતના રાજકીય પટલ પર શંકરસિંહ વાઘેલાનું નામ એક સમયે ગાજતું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) નો તેમના ઘડતરમાં મોટો ફાળો હતો પરંતુ આજે તેમની રાજકીય હાજરી એક એવા વાદળ જેવી લાગે છે જે ગાજે પણ મેઘ વરસ્યા વિના નીકળી જાય. શંકરસિંહના નિવેદનો, નવા પક્ષોની સ્થાપના કે વિરોધી પક્ષો સાથેના સંકલનના પ્રયાસો ભાજપની મજબૂત કિલ્લેબંધીને હલાવી શકે તેમ નથી. ઉલટું આવા પ્રયાસો ભાજપના કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારે છે કારણ કે તે દર્શાવે છે કે ભાજપની નેતૃત્વ શક્તિ અને પ્રજાનો વિશ્વાસ અડગ છે.
શંકરસિંહ વાઘેલા એક સમયે ગુજરાત ભાજપના મજબૂત સ્તંભ હતા. ૧૯૯૦ના દાયકામાં તેમણે ગુજરાતમાં ભાજપના સંગઠન વિસ્તરણમાં મહત્ત્વનું યોગદાન આપ્યું. પરંતુ સમય જતાં તેમની મહત્ત્વાકાંક્ષાઓ અને નીતિઓએ તેમને ભાજપથી દૂર કર્યા. તેમણે રાષ્ટ્રીય જનશક્તિ પાર્ટીની સ્થાપના કરી, કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા અને હવે સ્વતંત્ર રીતે રાજકીય નિવેદનો કરીને ચર્ચામાં રહેવાનો પ્રયાસ કરે છે. જોકે આ બધું તેમના માટે ગુજરાતના રાજકીય સમીકરણોમાં ફાયદામાં રહ્યું નથી. પ્રજા તેમના વારંવાર બદલાતા નિર્ણયો અને અસ્થિર વલણથી કંટાળી ચૂકી છે. આજે શંકરસિંહની વાતો મીડિયામાં થોડી હેડલાઇન્સ બનાવે, પણ ભાજપના મજબૂત કિલ્લાને ખરડવાની તાકાત તેમાં નથી.
ભાજપના શીર્ષ નેતૃત્વનું શાંત વલણ એક મજબૂત સંદેશ આપે છે અને શંકરસિંહના નિવેદનો પર કોઈ પ્રતિક્રિયા ન આપવી એ દર્શાવે છે કે પાર્ટીને તેમની વાતથી કોઈ ફરક પડતો નથી. આ શાંતિ ભાજપના કાર્યકર્તાઓમાં વિશ્વાસ જગાડે છે કે તેમની પાર્ટી એક એવા વિઝન પર કામ કરે છે જે નાનીમોટી રાજકીય હવાઓથી ડગે નહીં. ગુજરાતમાં ભાજપની સફળતા માત્ર નેતાઓની નહીં પણ તેના કાર્યકર્તાઓની અથાક મહેનત અને પ્રજાના અડગ સમર્થનનું પરિણામ છે. શંકરસિંહના પ્રયાસો આ સમર્થનને ખલેલ પહોંચાડી શકે તેમ હાલતો જણાતું નથી.
આ બધા વચ્ચે એક રસપ્રદ ચર્ચા પણ ચાલે છે કે શંકરસિંહની સક્રિયતા ભાજપને ફાયદો જ કરાવે છે. ગુજરાતની પ્રજા આજે વિકાસ, સ્થિરતા અને સુશાસનની બાજુ છે અને ભાજપ આ બધું પૂરું પાડે છે. શંકરસિંહની રાજકીય નૌકામાં હવે પવન નથી પણ ભાજપની વિજયપતાકા ગુજરાતના આકાશમાં ગૌરવથી લહેરાય છે.
Top News
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા
ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી
'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?
Opinion
-copy48.jpg)