- Opinion
- સવજીભાઈ ધોળકીયા: જલસંચય માટે ગુજરાતમાં સૌથી સક્રિય વ્યક્તિત્વ
સવજીભાઈ ધોળકીયા: જલસંચય માટે ગુજરાતમાં સૌથી સક્રિય વ્યક્તિત્વ
43.jpg)
(ઉત્કર્ષ પટેલ)
ગુજરાતની ધરતી ખાસ કરીને સૌરાષ્ટ્રનો વિસ્તાર પેઢીઓથી પાણીની તંગીનો માર સહન કરતો આવ્યો છે. ભૂમિપુત્રો / અન્નદાતા ખેડૂતો પાણીના અભાવે વર્ષો સુધી વલખાં મારતા રહ્યા. આ પરિસ્થિતિમાં નર્મદા યોજનાએ ગુજરાતના મોટાભાગના જળસંકટને હળવું કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. પરંતુ સરકારી પ્રયાસોની સાથે સાથે જનસહયોગથી થતાં કાર્યો પણ આપણે યાદ રાખવા જોઈએ અને એની નોંધ લઈ આપણે પણ આવા પ્રયાસોમાં યથાશક્તિ યોગદાન આપવું જોઈએ. આજે આપણે એવા એક વ્યક્તિત્વની વાત કરીશું જેમણે સ્વબળે સમાજ માટે જળસંચયનું અભિયાન હાથ ધર્યું અને લાખો લોકોના જીવનમાં પૂરતા પાણી માટેની આશા જગાવી. તેમનું નામ છે સવજીભાઈ ધોળકિયા.

સક્ષિપ્તમાં પરિચય આપું તો સવજીભાઈ ધોળકિયા જેમને ‘પદ્મશ્રી’નું સન્માન મળ્યું છે એક એવા વ્યક્તિ છે જેમણે પોતાની મહેનત અને સમર્પણથી ગુજરાતના જળસંચય ક્ષેત્રે અદ્ભુત કામગીરી કરી છે. અમરેલી જિલ્લાના દુધાળા ગામના આ પાટીદાર વ્યક્તિએ વર્ષ 1976માં માત્ર 12 રૂપિયા લઈને સુરતની ધરતી પર પગ મૂક્યો હતો. તેમણે હીરાના વેપારમાં સફળતા મેળવી અને આજે તેઓ હરે કૃષ્ણ એક્સપોર્ટ્સના સંસ્થાપક તરીકે ઓળખાય છે. પરંતુ તેમની સફળતા માત્ર વ્યવસાય સુધી સીમિત નથી. સવજીભાઈએ પોતાની કમાણીનો મોટો હિસ્સો સમાજસેવા અને પ્રકૃતિના સંરક્ષણ માટે ફાળવ્યો છે ખાસ કરીને જળસંચય માટે.

તેમણે ધોળકિયા ફાઉન્ડેશનની સ્થાપના કરી અને સૌરાષ્ટ્રના ગામડાઓમાં જળસંચયના કામો શરૂ કર્યા. તેમના પ્રયાસોથી અનેક તળાવો, નદીઓ અને ચેકડેમોનું નિર્માણ થયું. ખાસ કરીને અમરેલી જિલ્લામાં ગાગડિયો નદીને પુનર્જન્મ આપવાનું કામ તેમની સૌથી મોટી સિદ્ધિ છે. આ નદી જે લગભગ 52.9 કિલોમીટર લાંબી છે અને ચામરડીથી ક્રાંકચ સુધી ફેલાયેલી છે તેને ઊંડી અને પહોળી કરવાનું કામ લોકભાગીદારીથી કરવામાં આવ્યું. આ કાર્યથી નદીનું પાણી ફરી જીવંત થયું અને આજુબાજુના ગામોની જમીનમાં ભૂગર્ભજળનું સ્તર ઊંચું આવ્યું. સવજીભાઈના આ પ્રયાસોથી ભૂમિપુત્રોને સિંચાઈ અને પીવાના પાણીની સુવિધા મળી છે. આ ઉપરાંત, તેમણે અમૃત સરોવરોના નિર્માણમાં પણ યોગદાન આપ્યું જે ગુજરાત સરકારના સહયોગથી થયું છે. તેમના આ કાર્યને કારણે તેઓને ‘લેક મેન ઓફ ઈન્ડિયા’નું બિરુદ પણ મળ્યું છે.

સવજીભાઈ ધોળકિયાના આ પ્રશંસનીય કાર્યની નોંધ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ લીધી છે. પ્રધાનમંત્રીએ સવજીભાઈના જળસંચય અભિયાનની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે તેમનું કાર્ય એક પ્રેરણાદાયી ઉદાહરણ છે જે દર્શાવે છે કે વ્યક્તિગત સ્તરે પણ સમાજ અને પ્રકૃતિ માટે મોટું યોગદાન આપી શકાય છે. પ્રધાનમંત્રીએ ખાસ કરીને ગાગડિયો નદીના પુનર્જન્મ અને અમૃત સરોવરોના નિર્માણની નોંધ લઈને કહ્યું હતું કે આવા પ્રયાસો દેશના અન્ય ભાગો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે. આ સરાહના સવજીભાઈના સમર્પણ અને દૂરંદેશીનો પુરાવો છે જે દર્શાવે છે કે તેમનું કાર્ય માત્ર ગુજરાત પૂરતું સીમિત નથી પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ મહત્વ ધરાવે છે.

ઈશ્વર જ્યારે આપણને ધન સંપદા સુખ આપે છે, ત્યારે તેનો એક હિસ્સો પ્રકૃતિ અને સમાજ માટે ફાળવવો એ આપણી નૈતિક જવાબદારી છે. સવજીભાઈ ધોળકિયા આનું જીવંત ઉદાહરણ છે. તેમણે પોતાની સફળતાને માત્ર વ્યક્તિગત પારિવારિક આનંદ માટે નહીં પરંતુ સમાજના કલ્યાણ માટે વાપરી. આપણે બધાએ એ વિચારવું જોઈએ કે જે સંસાધનો આપણી પાસે છે તેનો ઉપયોગ આપણે ફક્ત પોતાના સ્વાર્થ માટે જ કરવો જોઈએ કે આવનારી પેઢીઓ માટે પણ કંઈક છોડી જવું જોઈએ? પાણી એ જીવનનો આધાર છે અને જો આપણે આજે તેનું સંરક્ષણ નહીં કરીએ તો ભવિષ્યમાં આપણા બાળકોને કદાચ આપણે જવાબ આપી નહીં શકીએ. સવજીભાઈએ બતાવ્યું કે નાની શરૂઆતથી પણ મોટા પરિવર્તન લાવી શકાય છે. આપણે પણ આપણા ગામમાં, શહેરમાં કે પડોશમાં નાના પાયે જળસંચયના કામો શરૂ કરી શકીએ છીએ જેમ કે વરસાદનું પાણી એકઠું કરવું, તળાવોને સાફ કરવું કે ચેકડેમ બનાવવામાં સહયોગ આપવો.

સવજીભાઈ ધોળકિયાનું જીવન આપણને શીખવે છે કે સફળતા એ માત્ર પૈસા કમાવવામાં નથી પરંતુ તે પૈસાનો ઉપયોગ સમાજના હિત માટે કરવામાં છે. તેમના કાર્યથી પ્રેરણા લઈને આપણે પણ આપણી આસપાસની પરિસ્થિતિને સુધારવા માટે પગલાં ભરવા જોઈએ. જળસંચય એ માત્ર સરકારની જવાબદારી નથી પરંતુ દરેક નાગરિકનું કર્તવ્ય છે. આજે જો આપણે એક ઝાડ વાવીએ, એક તળાવ સાફ કરીએ કે વરસાદના પાણીનો સંગ્રહ કરીએ તો આવતીકાલે આપણા બાળકોને પાણીની ચિંતા નહીં રહે. સવજીભાઈએ એકલા હાથે શરૂઆત કરી પરંતુ આજે તેમની સાથે હજારો લોકો જોડાયા છે. આપણે પણ આવી લોકભાગીદારીમાં જોડાઈને ગુજરાતની ધરતીને ફરી લીલીછમ અને પાણીદાર બનાવી શકીએ છીએ.

આજે સમય છે કે આપણે જાગીએ, પ્રેરણા લઈએ અને કાર્યે લાગીએ. સવજીભાઈ ધોળકિયા જેવા વ્યક્તિત્વ આપણા સમાજની શોભા છે. તેમના કાર્યને આગળ વધારવું એ આપણી ફરજ છે. ઈશ્વરે આપેલા સુખમાંથી થોડું સમાજને પાછું આપીએ જેથી આવનારી પેઢીઓ પણ એ સુખનો આનંદ માણી શકે.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને સમાજસેવક છે. લેખમાં વ્યક્ત કરેલા વિચારો તેમના અંગત વિચારો છે.)
Related Posts
Top News
2 વખત પર્પલ કેપ અને 181 વિકેટ, જેને ખરીદવામાં ઉડાવ્યા 10.75 કરોડ, તેને જ RCB શા માટે બેંચ પર બેસાડ્યો?
નથી હેલમેટ પહેર્યુ કે નથી નંબર પ્લેટ, આવાને પોલીસ દંડ કરે કે દંડો ઠોકે?
સુશાંત સિંહ રાજપૂત કેસમાં CBIએ રિયા ચક્રવર્તીને આપી ક્લિનચીટ
Opinion
