- Opinion
- રાજકારણમાં સારાની કિંમત નથી અને ખોટો ફાવી જાય છે
રાજકારણમાં સારાની કિંમત નથી અને ખોટો ફાવી જાય છે

રાજકારણ એક એવું ક્ષેત્ર છે જ્યાં આદર્શો, મહેનત અને લાગણીઓનું મૂલ્ય હંમેશાં ચર્ચામાં રહે છે. ભારતની રાજનીતિમાં ખાસ કરીને ગુજરાતમાં હાલમાં એક વાક્ય ઘણી વખત સાંભળવા મળે છે: ‘સારાની કિંમત નથી અને ખોટો ફાવી જાય છે.’ આ શબ્દોમાં એક ઊંડી નિરાશા દબાયેલી છે જે દરેક રાજકીય પક્ષના કાર્યકર્તાઓના હૃદયમાંથી નીકળે છે. ભલે તે ભાજપ હોય કે કોંગ્રેસ આ લાગણી આજે ગુજરાતના રાજકારણમાં ચર્ચામાં છે. જે કાર્યકર્તાઓ દિવસરાત મહેનત કરે છે પક્ષ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરે છે તેમની આંખો સામે જ્યારે બિનઅનુભવી અને અચાનક ટપકેલા લોકો હોદ્દા અને સત્તા ભોગવતા હોય છે ત્યારે તેમના મનમાં નિરાશા અને અસંતોષ જન્મે છે.
રાજકારણમાં કાર્યકર્તા એ પક્ષની કરોડ રજ્જુ સમા હોય છે. ગુજરાતના ગામડાઓથી લઈને શહેરો સુધી આ કાર્યકર્તાઓ પોતાના પરિવાર, નોકરી અને વ્યક્તિગત જીવનની ચિંતા કર્યા વિના પક્ષના આદર્શોને જીવંત રાખવા માટે કામ કરે છે. ચૂંટણીના સમયે ઘરેઘરે પ્રચાર કરવો, સભાઓનું આયોજન કરવું, નેતાઓની સેવા કરવી અને જનતા સાથે સંપર્કમાં રહેવું આ બધું એક સાચો કાર્યકર્તા નિષ્ઠાપૂર્વક કરે છે. પરંતુ જ્યારે સત્તાની લપસણી શરૂ થાય છે ત્યારે આ મહેનતનું મૂલ્ય ઘણીવાર ભુલાઈ રહ્યું છે. જે લોકો ક્યારેય નીચેના સ્તરે કામ નથી કર્યું, જેમની પાસે ન તો અનુભવ છે કે ન તો પક્ષ પ્રત્યેની સમજ, તેવા લોકો અચાનક મોટા હોદ્દાઓ પર બિરાજમાન થઈ જાય છે. આવું જોતાં કાર્યકર્તાના મનમાં પ્રશ્ન થાય છે કે ‘મારી મહેનતનું શું થયું?’
ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના કાર્યકર્તાઓમાં આ અસંતોષની લાગણી સ્પષ્ટ દેખાય છે. ભાજપના કાર્યકર્તાઓ જેઓ દાયકાઓથી સંગઠનને મજબૂત કરવામાં લાગેલા છે તેઓ ઘણીવાર અનુભવે છે કે નવા આવેલા લોકોને અને બીજા પક્ષમાંથી આયાતીઓને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. બીજી બાજુ કોંગ્રેસના કાર્યકર્તાઓ કે જેઓ વિપક્ષમાં હોવા છતાં પક્ષને જીવંત રાખવા માટે સંઘર્ષ કરે છે તેમને પણ લાગે છે કે તેમની મહેનતનું યોગ્ય મૂલ્યાંકન નથી થતું. આ બંને પક્ષોના કાર્યકર્તાઓની એક જ લાગણી અને વેદના છે તેઓ પોતાના પક્ષ માટે જીવ આપવા તૈયાર છે પણ તેમની નિષ્ઠાને બદલે બીજા કોઈને ફળ મળી જાય છે.
આ સ્થિતિ માત્ર નિરાશા જ નથી લાવતી પરંતુ રાજકીય પક્ષોની આંતરિક એકતાના ભાવને નબળી કરે છે. જે કાર્યકર્તા પક્ષનો પાયો છે તે જ્યારે પોતાને અવગણાયેલો અનુભવે છે ત્યારે તેની નિષ્ઠા ડગમગી શકે છે. ગુજરાતના રાજકારણમાં આ સમસ્યા હવે એટલી ઊંડી થઈ ગઈ છે કે ઘણા કાર્યકર્તાઓ ખુલ્લેઆમ પોતાની નારાજગી વ્યક્ત કરવા લાગ્યા છે. તેઓ પૂછે છે કે જો મહેનત કરનારને જ મૂલ્ય નહીં મળે તો પક્ષનું ભવિષ્ય કેવું હશે?
આવા કાર્યકર્તાઓની લાગણીઓને સમજવી અને તેમની મહેનતની કદર કરવી એ દરેક રાજકીય પક્ષની જવાબદારી છે. દરેક હોદ્દેદાર નેતાઓએ એ સમજવું જોઈએ કે સત્તા અને હોદ્દાઓ કામચલાઉ હોય છે પરંતુ કાર્યકર્તાઓની નિષ્ઠા અને મહેનત પક્ષને લાંબા સમય સુધી સશક્ત રાખે છે. જો આ કાર્યકર્તાઓનું મનોબળ નહીં જળવાય તો કોઈ પણ પક્ષનું ભવિષ્ય સુરક્ષિત નહીં રહે. ગુજરાતના રાજકારણમાં આજે જરૂર છે એક એવી વ્યવસ્થાની જ્યાં મહેનત કરનારને તેનું યોગ્ય સન્માન મળે જેથી ‘સારાની કિંમત’ ફરીથી સ્થાપિત થઈ શકે.
નિરાશ કાર્યકર્તાઓને રાજકીય પક્ષોના શીર્ષસ્થ નેતૃત્વએ વિશ્વાસમાં લઈને સંદેશો આપવો જોઈએ કે તમારી મહેનત વ્યર્થ નથી. ભલે આજે તમને લાગતું હોય કે તમારું યોગદાન ધ્યાને નથી પણ તમે જ પક્ષનો પાયો છો. તમારી નિષ્ઠા અને ત્યાગને કારણે જ રાજકારણમાં આદર્શો જીવંત છે. સમય બદલાશે અને તમારી મહેનતનું મૂલ્ય ચોક્કસપણે ઓળખાશે.
Top News
કોકા-કોલાએ સોફ્ટ ડ્રીંકનું વેચાણ ઘટાડીને આ બિઝનેસ પર ફોકસ કર્યું
મોદી સરકાર સફળ રહી... વક્ફ સંશોધન બિલ લોકસભામાં મંજૂર
ટ્રમ્પના ટેરિફ પહેલા શેરબજાર જોરદાર તેજી સાથે બંધ, કેટલાક શેર 20 ટકા તો કેટલાક 10 ટકા વધ્યા
Opinion
-copy.jpg)