- Opinion
- સુરતની મરાઠા રાજનીતિમાં ઊભો થનાર શૂન્યાવકાશ કોણ ભરશે?
સુરતની મરાઠા રાજનીતિમાં ઊભો થનાર શૂન્યાવકાશ કોણ ભરશે?
36.jpg)
(ઉત્કર્ષ પટેલ)
આમ તો સુરતના રાજકારણમાં મરાઠાઓની હાજરી છેક સત્તરમી સદીથી ગણી શકાય કારણ કે છત્રપતિ શિવાજી મહારાજે સુરતના નવાબને ઝૂકાવ્યો હતો. પરંતુ જો આધુનિક ભારતમાં આઝાદી પછીના રાજકારણની વાત કરીએ તો તેની શરૂઆત 90ના દાયકાથી કહી શકાય. ખાનદેશથી નોકરીની શોધમાં આવેલા મરાઠીભાષી લોકોની સંખ્યા વધી રહી હતી.ત્યારે મોટાભાગે પોલીસની નોકરી કરવા માટે અહીં લોકો આવતા.
કારણ કે ખાનદેશ વિસ્તાર ગુજરાતની દક્ષિણ પૂર્વ સીમાને અડીને આવેલો છે. ત્યાં નોકરીની તકો પણ ઓછી. ગુજરાતમાંથી યુવાનો પોલીસમાં નોકરી કરવામાં ઓછો રસ બતાવતા હતા. એટલે મહારાષ્ટ્રથી આવનારા લોકો માટે પોલીસ ખાતામાં ભરતીમાં કેટલીક છૂટછાટો પણ હતી. ત્યારે કોંગ્રેસની બોલબાલા હતી. કેટલાક નેતાઓ હતા પરંતુ તેમની પહોંચ માત્ર કોર્પોરેટર લેવલ સુધી જ હતી. ત્યારે મરાઠીભાષીઓની સંખ્યા પણ ઓછી હતી.
જોકે, વર્ષ 1996 પછી ઔદ્યોગિકરણ થતા સુરતમાં ઉદ્યોગોની સંખ્યા વધી. ઔદ્યોગિક કામદારોમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રના ખાનદેશ ઉપરાંત બીજા વિસ્તારોમાંથી પણ લોકો આવવા લાગ્યા. હવે લોકો અને મતદારોની સંખ્યા વધતા રાજકીય નેતાઓના મહાત્વાકાંક્ષાઓ પણ વધી રહી હતી. જોકે, મોટો ફેરફાર હતો કોંગ્રેસની સત્તાનો યુગ પૂરો થઇને ભાજપની સત્તા આવી ગઈ હતી. રવિન્દ્ર પાટિલ ડેપ્યુટી મેયરના પદ સુધી પહોંચી ચૂક્યા હતા. સી.આર. પાટિલ પણ ઊભરી રહ્યા હતા. જોકે, આજે મરાઠીભાષી મતદારોની સંખ્યા અંદાજે 10 લાખની આસપાસ છે. સી.આર. પાટિલ ગુજરાત ભાજપના પ્રમુખ બનવા ઉપરાંત કેન્દ્રિય મંત્રીના પદ સુધી પહોચી ગયા છે. સંગીતા પાટીલ ત્રીજીવાર ધારાસભ્ય પદે વિરાજમાન છે.
હવે સવાલ એ થાય છે કે શું આ મરાઠા રાજનીતિનું પ્રભુત્વ ભવિષ્યમાં પણ બની રહેશે ? જાણકારો કહે છે કે મરાઠા રાજનીતિ હવે પીક પર પહોંચી ગઈ છે. સૌથી મહત્વની વાત એ છે કે સેકન્ડ કેડરમાં એવા કોઇ મોટા નેતાઓ ઊભા થઇ શક્યા નથી. એટલે આવનારા 2થી 3 વર્ષ પછી શૂન્યાવકાશ સર્જાય તો નવાઇ નહીં. જોકે, કેટલાક યુવાન નેતાઓની નજર આ પરિસ્થિતિ ઉપર છે અને તેઓ સંભવિત શૂન્યાવકાશ ને પૂરવા માટેની આગોતરી તૈયારી કરી રહ્યા છે.
નવા મરાઠા નેતા કોણ?
જિગ્નેશ પાટીલ (CR પાટીલના પુત્ર)
સામાજિક સેવા અને રમતગમત ક્ષેત્રે સક્રિય. ગ્રાસરૂટ વિકાસ કાર્યક્રમો પર ધ્યાન આપ્યું છે અને યુવાનોમાં લોકપ્રિયતા મેળવી છે. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના બીચ સોકર સમિતિના ચેરમેન છે અને યુથ ફોર ગુજરાત NGO ચલાવે છે, જેના હેઠળ વિવિધ વિકાસ અને કલ્યાણકારી પ્રવૃત્તિઓ થાય છે. જિગ્નેશ પાટીલ પણ પિતાની રાહ પર છે. તેઓ પિતાની વ્યસ્તતા વચ્ચે લોકોને મળે છે. તેમની સમસ્યાઓ સાંભળીને ઉકેલવાના પ્રયત્નો કરે છે.

ડો. નિખિલ પાટીલ (રવિન્દ્ર પાટીલના પુત્ર)
નિખિલ વ્યવસાયે ડોકટર છે પોતાનું ક્લિનિક ચલાવે છે. ભાજપના સક્રિય સભ્ય છે. લાયન્સ ક્લબ ઓફ લિંબાયતના પ્રમુખ છે. શ્રી છત્રપતિ શિવાજી મહારાજ સ્મારક સમિતિ, લિંબાયતના યુવા પ્રમુખ તરીકે કાર્યરત. તેઓ પણ છેલ્લા સમયથી ખાસા સક્રિય જોવા મળી રહ્યા છે. છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ પર યોજેલા કાર્યક્રમમાં ખાસ્સી સંખ્યામાં સમર્થકોની હાજરી હતી.
સુનીલ પાટીલ
BJP યુવા મોર્ચાના ભૂતપૂર્વ મહામંત્રી અને ભાજપના સક્રિય કાર્યકર સુનીલ પાટીલ યુવા ઉદ્યોગપતિ છે. ટેક્સટાઇલ ક્ષેત્રે મોટું નામ છે. સાથે સાથે સામાજિક કાર્યોમાં પણ અગ્રેસર છે. હાલ જ સુરતમાં સૌથી મોટી શિવકથાનું આયોજન કરીને ખાસ્સી ચર્ચામાં આવ્યા હતા. તેઓ ખુલ્લેઆમ કહે છે કે તેઓ રાજકારણમાં આવવા માગે છે. તેમને જો ટિકિટ મળે તો ચૂંટણી પણ લડવા માગે છે. હાલમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ પર પણ તેમણે ખાસ્સો મોટો કાર્યક્રમ યોજ્યો હતો.

સમ્રાટ પાટીલ
સુનીલ પાટીલની જેમ જ સમ્રાટ પાટીલ પણ યુવા ઉદ્યોગપતિ છે. તેઓ પણ ભાઇ સુનીલ પાટીલ જેટલા જ સક્રિય છે. શિવકથાના આયોજનમાં પણ તેમનું પણ સરખું જ યોગદાન હતું. તેઓ પણ રાજકારણમાં આવવાની તમામ તૈયારીઓ કરી ચૂક્યા છે.
જાણકારો કહે છે કે આ પાટીલ બંધુઓને દિલ્હી અને ગાંધીનગર થી પણ મોટા નેતાઓનો સપોર્ટ છે. એટલે તેઓ પોતાની રાજકીય કારકીર્દી ઘડવા માટે સતત મહેનત કરી રહ્યા છે.

આ ઉપરાંત બીજા કેટલાક નેતાઓ પણ મહેનત કરી રહ્યા છે પરંતુ મૂળ પ્રશ્ન એ છે કે શું મરાઠા પ્રભુત્વ ટકી રહેશે? શું હિન્દીભાષી નેતાઓ તેમની જગ્યા લેશે? કારણ કે મતદારોની સંખ્યાને જોઇએ તો તેમની સંખ્યા પણ લગભગ મરાઠીભાષી મતદારો જેટલી જ છે. યોગ્ય સમયે આ વિષયની ચર્ચા જરૂરથી કરીશું.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને સમાજસેવક છે. લેખમાં વ્યક્ત કરેલા વિચારો તેમના અંગત વિચારો છે.)
Related Posts
Top News
ઓન ટ્રેક એજ્યુકેશન સાથે વિદ્યાર્થીઓને વિદેશમાં શિક્ષણનું સ્વપ્ન સાકાર કરવા શ્રેષ્ઠ માર્ગદર્શન આપી રહ્યા છે મમતા જાની
પ્રિઝમા ઓન્કોઇમેજિંગ સેન્ટર દ્વારા સુરતના પ્રથમ ડિજિટલ PET-CTનું લોન્ચિંગ – ભારતમાં ઓન્કોઇમેજિંગની સૌથી મોટી ચેઇનની શરૂઆત
RSS દ્વારા બાંગ્લાદેશના હિંદુ સમાજ સાથે એકજૂટતા દર્શાવીને તેમની સાથે ઊભા રહેવાનું આહ્વાન
Opinion
41.jpg)