ભાગળ બુંદેલાવાડ વિસ્તારમાં આવેલી સના ટાઇમ નામની દુકાનમાં ગઈકાલે સ્થાનિક મહિધરપુરા પોલીસે છાપો મારી રૂ.61.23 લાખની કિંતમની અલગ અલગ બ્રાન્ડેડ કંપનીની ડુપ્લીકેટ ઘડીયાળ નંગ-2075 સાથે માલીકની ધરપકડ કરી હતી. આ જ દુકાનમાં ફેબ્રુઆરી મહિનામાં સીઆઈડી ક્રાઈમની ટીમે પણ ચાપો મારી રૂપિયા 2.71 કરોડની ડુપ્લીકેટ ઘડીયાળના જથ્થા સાથે બે ભાઈઓની ધરપકડ કરી હતી.
મહિધરપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પીઆઈ આર.કે.ધુલીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ સર્વલન્સ સ્ટાફના માણસો ગજરોજ તેમના વિસ્તારમાં પેટ્રોલીંગમાં ફરતા હતા તે વખતે હેડ કોન્સ્ટેબલ વાલજીભાઇ હડીયાને મળેલી બાતમીના આધારે ભાગળ બુંદેલાવાડ વિસ્તારમાં આવેલી સના ટાઇમ નામની દુકાનમાં છાપો માર્યો હતો. પોલીસને દુકાનમાંથી જાણીતી બ્રાન્ડ હયુબ્લોટ, ટીશોટ, ટેગ હ્નાઅર, રાડો, ઓમેગા, અરમાની, કાર્ટિયર, પોલીસ, સી.કે, ડીઝલ, લ્યુમીનર, રોલેક્ષ, ઍડમરપીઝટ, ફ્રેક્મીલર, કોરમ, યુલીસનાડીન, જી શોક, માઉન્ટ બ્લેક, ઇનવિકટા, માઇકલ કોર્સ, સેવન ફ્રાઇડે, ફોસીલ, સનેલ, ગેસ, જીસી, ડીઓર, ગુચી, પેટેકફિલીપ, વર્સાચી કંપનીની ડુપ્લીકેટ રીસ્ટ વોચનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે કુલ રૂપીયા 61.23 લાખની કિંમતની ડુપ્લીકેટ ઘડીયાળ નંગ- 2075 નંગ કબજે કરી હતી. તેમજ દુકાનના માલિક ઇરફાન નુરમોહમદ મેમણ ( ઉ.વ.42, રહે.દાદાભાઇ નગર, કઠોર, કામરેજ ) ની ધરપકડ કરી ત્રણ મોબાઇલ સાથે કુલ રૂપીયા 61.30 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગત 18 ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર સ્થિત સીઆઇડી ક્રાઇમે મળેલી ફરિયાદના આધારે આ જ દુકાનમાં રેડ કરી ત્યાંથી તેમજ તેમના ભાજીવાળી પોળમાં આવેલા ગોડાઉનમાંથી રૂ.3.31 કરોડની કિંમતની જાણીતી બ્રાન્ડની ડુપ્લીકેટ ઘડીયાળ નંગ-11031 કબજે કરી હતી. સીઆઇડી ક્રાઇમે તે સમયે ઇરફાન ઉપરાંત તેના ભાઇ ઇમ્તિયાઝની પણ ધરપકડ કરી હતી.ઉલ્લેખનીય છે કે આવા કિસ્સાઓમાં એવું પણ બહાર આવ્યું છે કે આ લોકો ઓનલાઇન સપ્લાયનો ધંધો પણ કરતા હોય છે. તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી ફર્સ્ટ કોપી કહીને વેચતા હોય છે. ઓરિજિનલનાનો ભાવ જ્યાં 10 લાખ હોય ત્યાં ફર્સ્ટ કોપી રૂ. 10 હજારમાં વેચે છે. આ પ્રકારે અગાઉ નકલી શૂઝ વેચવાનો વેપલો પણ ઝડપાયો હતો.