- Gujarat
- GSECLમાં ભરતીને લઈને કેમ ઉમેદવારો હડતાળ પર બેસેલા છે, બોલ્યા- ‘PMને સંદેશ પહોંચાડવા માગીએ છીએ કે ગુજ...
GSECLમાં ભરતીને લઈને કેમ ઉમેદવારો હડતાળ પર બેસેલા છે, બોલ્યા- ‘PMને સંદેશ પહોંચાડવા માગીએ છીએ કે ગુજરાતના..’

ગુજરાત સરકારની ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL)માં હેલ્પરની 800 જગ્યા પર ભરતીને લઇને વીજ કંપની કે સરકારે અત્યાર સુધી કોઈ પગલા લીધાં નથી, જેને કારણે રાજ્યભરમાંથી આવેલા 100 કરતા વધારે એપ્રેન્ટિસ ઉમેદવારો રેસકોર્સ ખાતે વીજ કંપનીના ગેટ પાસે 3 દિવસથી ભૂખ હડતાળ પર બેઠા છે. રાત-દિવસ આ લોકો ભૂખ્યા-તરસ્યા બેસી રહ્યા છે. પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી નથી. જેથી ઘણી વખત તેમણે તરસ્યા રહેવાનો પણ વારો આવે છે. ઉમેદવારો હવે બેરોજગારીથી એટલી હદે કંટાળી ગયા છે કે, મરવા માટે પણ તૈયાર છે.
ભૂખ હડતાળ પર ઊતરેલા અન્ય એક ઉમેદવારોએ કહ્યું કે, ગત વખતે અધિકારીઓએ 10 દિવસમાં પ્રશ્નોનું નિરાકરણ લાવવાની વાત કરી હતી. આ વાતને મહિનો થવા છતા ભરતી અંગે કોઈ કાર્યવાહી થઈ નથી. જેથી ભૂખ હડતાળ પર જવાની ફરજ પડી છે. અમે 3 માર્ચે રેસકોર્સ GSECL કંપનીની હેડ ઓફિસની બહાર પ્રદર્શન કર્યા હતા. ત્યારબાદ સરકારમાં પણ રજૂઆત કરી. મુખ્યમંત્રીને પણ પત્ર લખ્યો હતો. GSECL દ્વારા જૂન-2022માં 800 હેલ્પરની ભરતી માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, જેમાં 5500થી વધુ ફોર્મ ભરાયા હતા. જે-તે સમયે વેરિફિકેશન થયું હતું, પરંતુ પરીક્ષા લેવાઈ નથી. ઘણી વખત રજૂઆતો કરવા છતા કંપની ગોળ ગોળ જવાબ આપે છે.

કચ્છના રાપરથી આવેલા એક ઉમેદવારે કહ્યું કે, અમે છેલ્લા 3 દિવસથી વડોદરાના વિદ્યુત ભવનની બહાર ભૂખ હડતાળ કરી રહ્યા છીએ. તેમ છતા અધિકારીઓ અમારી વાત સાંભળવા પણ તૈયાર નથી. વર્ષ 2008માં મેં એપ્રેન્ટિસ કર્યું હતું. હું છેલ્લા 17 વર્ષથી નોકરીની રાહ જોઉં છું, પરંતુ મને નોકરી મળી નથી. GSECLમાં છેલ્લા 20 વર્ષથી કોઈ ભરતી થઈ નથી. મારે મારા પરિવારનું ગુજરાન ચલાવવાનું છે, પરંતુ હું બેરોજગાર છું. ગુજરાત સરકાર રોજગારી આપવાની વાતો કરે છે પરંતુ ગુજરાતના યુવાનો જ બેરોજગાર છે. ગુજરાતના નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન છે. અમે તેમને સંદેશ પહોંચાડવા માંગીએ છીએ કે, તમારા ગુજરાતના છોકરાઓ જ બેરોજગાર છે. અમે કોઈ મોટી નોકરી માગતા નથી. નોકરી માટે અમે અહીં ભૂખ હડતાળ પર બેઠા છીએ. અમે છેલ્લા 3 દિવસથી ભૂખ્યા-તરસ્યા બેઠા છીએ. રાત્રે મચ્છર કરડે છે અને દિવસે તડકામાં બેસી રહીએ છે. તેમ છતા અમને કોઈ પૂછવા આવ્યું નથી.

સંતરામપુરનાઉમેદવાર રાકેશ બામણીયાએ કહ્યું કે, વર્ષ 2010માં મેં એપ્રેન્ટિસ કર્યું હતું. ત્યારબાદ વર્ષ 2022માં ભરતી બહાર પાડવામાં આવી હતી, જેથી અમે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. તેમ છતા અત્યાર સુધી રીક્ષા લેવામાં આવી નથી. અમારી ઉંમર પણ હવે વધી ગઈ છે. આ મોંઘવારીમાં અમારે પરિવારનું ગુજરાન ચલાવવુ મુશ્કેલ બની ગયું છે. અમે છેલ્લા 3 દિવસથી અહીં ભૂખ હડતાળ કરી રહ્યા છીએ. અમે અહીં નોકરીની આશાએ બેઠા છીએ, પરંતુ કોઈ અધિકારી અમને જવાબ આપવા માટે આવ્યો નથી. MD સાહેબ પણ અમને કોઈ જવાબ આપતા નથી. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીં જ બેસી રહીશું. અમે અહીં મોતના રસ્તે બેઠા છીએ. હવે અમે મરવા માટે પણ તૈયાર છીએ. અમારી એક જ માગ છે અમને નોકરી આપો. અમારી બીજી કોઈ માગ નથી.
Related Posts
Top News
વોશિંગટન સુંદરના કેચ પર હોબાળો, અમ્પાયરથી થઈ મોટી ભૂલ, તો પણ SRH ના જીતી
વક્ફ બિલનું સમર્થન કરતા નીતિશ કુમાર બાદ આ રાજ્યની પાર્ટી પણ ભાંગવાની અણીએ
નરેશભાઈ પટેલ: સ્વાર્થ અને અપેક્ષા વિના ખોડલધામથી પાટીદાર સમાજ માટે સેવા કરનાર વ્યક્તિ
Opinion
-copy7.jpg)