- Lifestyle
- તમારા ભાઈ સાથે સંબંધો બગાડશો નહીં, દુનિયામાં સંબંધો શોધવાની જરૂર નહીં પડે
તમારા ભાઈ સાથે સંબંધો બગાડશો નહીં, દુનિયામાં સંબંધો શોધવાની જરૂર નહીં પડે

(ઉત્કર્ષ પટેલ)
જીવનમાં સંબંધો એક એવું ધન છે જેને આપણે જાતે જ સાચવવું પડે છે. ખાસ કરીને ભાઈ સાથેનો સંબંધ એ એક અજોડ બંધન છે જેને નાનીનાની ભૂલો કે અહમના કારણે બગડવા દેવો જોઈએ નહીં. "તમારા ભાઈ સાથે સંબંધો બગાડશો નહીં, દુનિયામાં સંબંધો શોધવાની જરૂર નહીં પડે" આ વાત એક ઊંડી સમજ આપે છે કે જો આપણે આપણા નજીકના સંબંધોને મજબૂત રાખીએ તો આપણને બહારની દુનિયામાંથી પ્રેમ કે હૂંફ શોધવાની જરૂર નહીંજ રહે. આ વાતને સમજવા માટે પ્રભુ શ્રી રામ, લક્ષ્મણ અને ભરતનું દૃષ્ટાંત એક અદ્ભુત ઉદાહરણ છે જે આપણને સંબંધોનું મૂલ્ય અને તેને જાળવવાની પ્રેરણા આપે છે.
પ્રભુ શ્રી રામનું જીવન સંબંધોની મહત્તા શીખવે છે. તેમના ભાઈઓ લક્ષ્મણ અને ભરત સાથેનો તેમનો સંબંધ પ્રેમ, ત્યાગ અને વિશ્વાસનું પ આદર્શ દ્રષ્ટાંત છે. જ્યારે પ્રભુ શ્રી રામને વનવાસનો આદેશ મળ્યો ત્યારે લક્ષ્મણે કોઈ પણ ખચકાટ વિના તેમની સાથે જવાનું નક્કી કર્યું. લક્ષ્મણનો આ નિર્ણય એક ભાઈની ફરજ અને પ્રેમનું ઉત્તમ ઉદાહરણ બન્યું. બીજી તરફ ભરતે જ્યારે જાણ્યું કે રાજગાદી તેમને આપવામાં આવી છે ત્યારે તેમણે અસ્વીકાર કરી દીધો અને પ્રભુ શ્રી રામના ચરણોમાં રાજ્ય પાછું મૂકી દીધું. ભરતનો આ ત્યાગ બતાવે છે કે ભાઈનો સંબંધ સત્તા કે સંપત્તિ કરતાં ઉપર હોય છે.
આ દૃષ્ટાંતમાંથી આપણે શું શીખી શકીએ? રામ, લક્ષ્મણ અને ભરતના સંબંધોમાં ક્યારેય અહમ, ઈર્ષ્યા કે ગેરસમજનો પ્રવેશ થયો નહીં. તેમની વચ્ચે પરસ્પર સમર્પણ અને આદર હતો. આજના સમયમાં નાનીનાની વાતોને કારણે ભાઈઓ વચ્ચે મતભેદ થાય છે . મિલકતની વહેંચણી, પૈસાની લેતીદેતી કે કોઈ ગેરસમજ. પરંતુ જો આપણે રામાયણના આ પાત્રો પાસેથી પ્રેરણા લઈએ તો સમજાય છે કે આવી નાની બાબતો કરતા સંબંધોની ગરિમા મોટી છે.
આજના જીવનમાં જ્યાં લોકો પોતાની જાતને સાચવવામાં વ્યસ્ત છે, ભાઈ સાથેનો સંબંધ એક આધારસ્તંભ બની શકે છે. જો આ સંબંધ મજબૂત હશે તો બહારની દુનિયાના કલેશ અને એકલતા સામે લડવાની તાકાત મળશે. લક્ષ્મણની જેમ ભાઈની મુશ્કેલીમાં સાથ આપવો અને ભરતની જેમ ભાઈના હિતને પોતાના હિતથી ઉપર રાખવું આ બે ગુણો આપણા સંબંધોને અડીખમ બનાવી શકે છે.
આ ઉપરાંત સંબંધોમાં વિશ્વાસ અને મુક્તમનની વાતોનું પણ મહત્ત્વ પણ ઓછું નથી. રામે ક્યારેય લક્ષ્મણ કે ભરત પર શંકા ન કરી અને આ ભાઈઓએ પણ રામ પર પૂર્ણ ભરોસો રાખ્યો. આજે આપણે પણ આવો વિશ્વાસ દાખવીએ તો ઘણી ગેરસમજ ટળી શકે છે. એક બીજા સાથે ખુલીને વાત કરવી, એકબીજાની ભૂલોને માફ કરવી અને સાથે મળીને મુશ્કેલીઓનો સામનો કરવો આ બધું ભાઈ સાથેના સંબંધને અતૂટ બનાવે છે.
એટલું જરૂરથી કહીશ કે રામાયણનું આ દૃષ્ટાંત આપણને શીખવે છે કે ભાઈનો સંબંધ એક અમૂલ્ય ભેટ છે. તેને બગાડવાને બદલે સાચવીએ તો જીવનમાં ક્યારેય એકલતા કે નિરાધાર ભાવનાઓનો અનુભવ નહીં થાય. આપણે નાની બાબતોને ભૂલીને, આપણા ભાઈ સાથેના સંબંધને પ્રેમ અને સમર્પણથી ભરી દેવો જોઈએ જેથી દુનિયામાં ક્યાંય સંબંધો શોધવાની જરૂર ન પડે.
(આ વિચાર લેખકનું વ્યક્તિગત મંતવ્ય છે)
Related Posts
Top News
શું હવે વોટર ID પણ આધાર સાથે લિંક કરાશે? ચૂંટણી પંચ આ યોજના પર પુનર્વિચાર કરી રહ્યું છે
પાકિસ્તાનમાં આવી રીતે 'હોળી' ઉજવવામાં આવી, ઇન્સ્ટાગ્રામની રીલે ભારતીયોના દિલ જીત્યા!
હું ગાંડાની જેમ તેની પાછળ દોડતો...લેક્સ ફ્રીડમેનના પોડકાસ્ટમાં PM મોદીની રસપ્રદ વાતો
Opinion
