- Education
- ‘જાગો ગ્રાહક જાગો’ થીમ પર વિદ્યાર્થીઓને જાણો શું શીખવાડાશે
‘જાગો ગ્રાહક જાગો’ થીમ પર વિદ્યાર્થીઓને જાણો શું શીખવાડાશે

ગ્રાહક તરીકે આપણી પણ ફરજ બને છે કે તોલમાપ જોઇને કોઇપણ ચીજવસ્તુ ખરીદવી. વેપારીઓ તો નફો કમાવવા માટે ઓછા વજનની વસ્તુઓ આપી દેતા હોય છે. પ્રિન્ટેડ કિંમત કરતાં વધુ કિંમત પણ લઇ ગ્રાહકોને છેતરતા હોય છે. આ સંજોગોમાં નવી પેઢીને પણ ગ્રાહક સુરક્ષાનું જ્ઞાન આપવું આવશ્યક થઇ ગયું છે. આ પેઢી રાજ્યના દરેક નાગરિકને પણ તે જ્ઞાન આપે તે જરૂરી છે. રાજ્યમાં ગ્રાહકોમાં જાગૃતિ અને સુરક્ષા માટે શાળા કક્ષાએ કન્ઝ્યૂમર ક્લબની સ્થાપના કરવાનો ગુજરાત સરકારે નિર્ણય લીધો છે. આવી ક્લબોમાં ઓછામાં ઓછા 50 સભ્યોને સામેલ કરી શકાશે. લગભગ 10 શાળાની વચ્ચે આવી એક કન્ઝ્યૂમર ક્લબની સ્થાપના કરી શકાશે. જો કે આવી ક્લબો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બનાવવામાં આવશે.
પ્રત્યેક મહિનામાં એકવાર ઓછામાં ઓછી એકવાર દરેક ગ્રાહક ક્લબની બેઠક મળશે અને એમાં ગ્રાહક ક્લબની આગામી પ્રવૃત્તિઓ બાબતે ચર્ચા કર્યા બાદ પ્રવૃત્તિની અનુસૂચિ તૈયાર કરાશે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ-1986ની જોગવાઈ પ્રમાણે ગ્રાહકોના અધિકારો અંગે વિદ્યાર્થીઓને શિક્ષણ અપાય, તેમનામાં ગ્રાહક સુરક્ષાની ભાવના ગતિશીલ બને તેવા આશયથી માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કન્ઝ્યૂમર ક્લબોની સ્થાપના કરાશે.
આવી દરેક ક્લબોનો હવાલો જે-તે શાળાના શિક્ષકને સોંપવામાં આવશે. આવી ક્લબમાં 24મી ડિસેમ્બરના રાષ્ટ્રીય ગ્રાહક દિવસ અને 15મી માર્ચના વિશ્વ ગ્રાહક દિનની ઉજવણી વખતે યોજાનારા તમામ નાના-મોટા કાર્યક્રમોમાં સામેલ થઈને સામાન્ય જનતા સુધી માહિતી પહોંચાડવી પડશે. દરેક ગ્રાહક ક્લબોના સભ્યો, ક્લબના કાર્યક્રમોમાં, પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લે તે માટે શાળાના સત્તાધિકારીઓને મળીને સંકલન એજન્સીએ સંપર્ક જાળવવો પડશે અને તેમની ગ્રાહકો જાગૃતિની પ્રવૃત્તિ અંગે વાર્ષિક અહેવાલ પણ તૈયાર કરવો પડશે.
રાજ્ય સરકારના નિર્ણય મુજબ ગ્રાહકોની બાબતોના વિભાગ, ગ્રાહક કલ્યાણનિધિમાંથી સંકલન એજન્સી તરીકે જિલ્લાના માન્ય અને કાર્યરત ગ્રાહક સુરક્ષા મંડળને ગ્રાહક ક્લબ દીઠ વાર્ષિક 5000 રૂપિયા લેખે નાણાકીય સહાય અપાશે. સંકલન એજન્સી દ્વારા ગ્રાહક ક્લબો સંબંધિત પોતાના ખર્ચને પહોંચી વળવા માટે આ રકમના અધિકતમ 20 ટકા જે-તે જિલ્લાના માન્ય અને કાર્યરત ગ્રાહક સુરક્ષા મંડળ રાખશે અને બાકીની 80 ટકા રકમ દરેક ક્લબોને આપશે.
ગુજરાતમાં વેપારીઓની નફાખોરી સામે ગ્રાહક લાચાર છે પરંતુ હવે શાળાના બાળકો રાજ્યના તમામ લોકો એટલે કે ગ્રાહકોને ચીજવસ્તુ ખરીદતી વખતે છેતરાય નહીં તે અંગેની સમજ આપશે. એટલું જ નહીં નિયમ વિરૂદ્ધ જઇને નફાખોરી કરતા વેપારીઓ સામે કેવા પગલાં લઇ શકાય છે તેની માહિતી આપશે.
Related Posts
Top News
જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે
જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી
'બ્રેસ્ટ પકડવું રેપ નથી...' અલ્હાબાદ HCની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક
Opinion
