- Opinion
- તડકે તપતા શ્રમિકોના બાળકોનું કોણ વિચારશે?
તડકે તપતા શ્રમિકોના બાળકોનું કોણ વિચારશે?

(ઉત્કર્ષ પટેલ)
આપણું સુરત ગુજરાતનું એક ઝળહળતું શહેર જે વેપાર, ઉદ્યોગ અને સમૃદ્ધિનું પ્રતીક ગણાય છે. આ શહેરની ચમકતી ઈમારતો, ભવ્ય ફ્લાયઓવરો અને વ્યસ્ત રસ્તાઓ જોઈને કોઈ પણ એવું વિચારી શકે કે અહીંયા બધાજ સુખી અને સમૃદ્ધ છે. પરંતુ આ ચમકદાર ધારણાની પાછળ એક એવું વાસ્તવ છુપાયેલું છે જે આંખો ભીની કરીદે અને હૃદયને નાખે. ફૂટપાથ પર ધૂળમાં રમતાં બાળકો, ફ્લાયઓવરની નીચે ઝૂંપડાંમાં રહેતાં શ્રમિકોનાં સંતાનો જેઓ તડકામાં તપે છે અને ઠંડીમાં ધ્રૂજે છે તેમની તરફ આપણું ધ્યાન શું ક્યારેય જાય છે?
આ બાળકોનું ભવિષ્ય કોણ વિચારશે?
આ શહેરની આભામાં આપણે એટલા બધા મશગૂલ થઈ ગયા છીએ કે આપણી આસપાસ જીવતા આ નાનકડા નિર્દોષ જીવોની વેદના આપણને દેખાતી નથી. સવારે નાના નાના હાથ ધૂળમાં રમતા જોવા મળે છે, બપોરે તેઓ તડકામાં ભટકતા દેખાય છે અને રાત્રે એ જ હાથ કદાચ ભૂખ્યા પેટે ખાલી ઝૂંપડાંમાં સૂઈ જાય છે. આ બાળકો શ્રમિકોનાં છે. એ શ્રમિકોનાં જેઓ આપણી ચમકતી ઈમારતો બનાવે છે, આપણા રસ્તાઓ ઘડે છે. પરંતુ આ શ્રમિકોનાં બાળકોનું જીવન એટલું દયનીય કેમ છે? આ પ્રશ્નનો જવાબ શોધવો એ ફક્ત સરકારની જવાબદારી નથી, પણ આપણી સૌની માનવીય ફરજ પણ છે.
એક દયનીય ચિત્ર સમજો તો ખરા, વિચારો તો ખરા,
એક નાનું બાળક જેની ઉંમર હજુ શાળાએ જવાની છે, તે ફૂટપાથ પર ધૂળમાં રમી રહ્યું છે. તેના કપડાં ફાટેલા છે, ચહેરો ગંદકીથી ભરેલો છે અને પગમાં ચપ્પલનું નામનિશાન નથી. તેની માતા નજીકમાં જ બાંધકામની સાઇટ પર ઈંટો ઉપાડી રહી છે જ્યારે પિતા સખત મજૂરીમાં ડૂબેલા છે. આ બાળકને નથી શિક્ષણની સુવિધા, નથી ભરપેટ શુદ્ધ જળ ભોજન, કે નથી ગરમ કપડાં કે યોગ્ય આશ્રય. ઉનાળાના તડકામાં તેની ચામડી બળે છે, વરસાદમાં તે ભીંજાય છે અને શિયાળાની ઠંડીમાં તે ધ્રૂજે છે. આ એક બાળકની કથની નથી, પણ સુરતના હજારો શ્રમિકોના બાળકોની વાસ્તવિકતા છે.
આ બાળકોના માતાપિતા દિવસરાત મહેનત કરે છે, પરંતુ તેમની કમાણી એટલી ઓછી હોય છે કે તે બે ટંકનું ભોજન પણ પૂરું પાડી શકતી નથી. શ્રમિકોની આર્થિક સ્થિતિ એટલી નબળી હોય છે કે તેઓ પોતાનાં બાળકોને શાળામાં મોકલવાનું સપનું પણ જોઈ શકતા નથી. ઘણી વખત આ બાળકોને પણ નાની ઉંમરે મજૂરીમાં ધકેલી દેવામાં આવે છે, જેથી ઘરની આવકમાં સહયોગ આવે. આવી સ્થિતિમાં શિક્ષણ, આરોગ્ય અને સુખાકારી જેવી મૂળભૂત બાબતો તેમના માટે દૂરનું સપનું બની જાય છે. આ બાળકોનું બાળપણ ખોવાઈ જાય છે અને તેમની આંખોમાં જે ચમક હોવી જોઈએ તેના બદલે થાક અને નિરાશા જોવા મળે છે.
શું આ બાળકોનો જન્મ ફક્ત દુઃખ ભોગવવા માટે થયો છે? શું તેમને પણ સપનાં જોવાનો હક નથી? જ્યારે આપણે આપણાં બાળકોને સારી શાળાઓમાં મોકલીએ છીએ, તેમને સારું ભોજન આપીએ છીએ અને તેમના ભવિષ્ય માટે ચિંતા કરીએ છીએ ત્યારે આ શ્રમિક બાળકોની તરફ આપણું ધ્યાન કેમ નથી જતું? આ એક એવો પ્રશ્ન છે જે આપણી સંવેદનશીલતાને પડકારે છે.
સરકારી યોજનાઓનું શું?
ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ગરીબો અને શ્રમિકો માટે અનેક યોજનાઓ બનાવવામાં આવી છે. ‘સર્વ શિક્ષા અભિયાન’, ‘મધ્યાહ્ન ભોજન યોજના’, ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ જેવી યોજનાઓનો હેતુ ગરીબોના જીવનને બહેતર બનાવવાનો છે. પરંતુ સવાલ એ છે કે આ યોજનાઓનો લાભ ખરેખર આ શ્રમિકોનાં બાળકો સુધી પહોંચે છે કે નહીં? ઘણી વખત આ યોજનાઓ કાગળ પર જ રહી જાય છે અથવા અમલીકરણમાં ભ્રષ્ટાચારનો ભોગ બને છે. શ્રમિકોને આ યોજનાઓ વિશે જાગૃતિ નથી, અને જો જાગૃતિ હોય તો પણ તેમની પાસે યોગ્ય દસ્તાવેજો કે સાધનો નથી હોતાં, જેના કારણે તેઓ આ લાભથી વંચિત રહી જાય છે.
ઉદાહરણ તરીકે, શિક્ષણનો અધિકાર કાયદો (RTE) હેઠળ દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો હક છે. પરંતુ આ શ્રમિકોના બાળકો શાળાથી દૂર કેમ છે? શું આ બાળકોને શોધીને શાળામાં દાખલ કરવાની જવાબદારી સરકારની નથી? આવા પરિવારોને આર્થિક સહાય, રહેઠાણ અને આરોગ્ય સુવિધાઓ આપીને તેમના બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવું એ સરકારની નૈતિક જવાબદારી નથી? જો સરકાર આ બાળકોને શિક્ષણ આપવામાં નિષ્ફળ જાય તો આવનારા સમયમાં આ બાળકો ગરીબી અને અજ્ઞાનના દુષ્ટચક્રમાં ફસાઈ જશે, ગેરમાર્ગે દોરાઈ જશે જે દેશના વિકાસ માટે નુકસાનકારક સાબિત થશે.
આ ઉપરાંત, શ્રમિકોના સ્થળાંતરની સમસ્યા પણ આ વિષયને વધુ અગરો બનાવે છે. ઘણા શ્રમિકો અન્ય રાજ્યોમાંથી સુરતમાં કામની શોધમાં આવે છે અને તેમની પાસે સ્થાનિક ઓળખપત્રો ન હોવાથી તેઓ સરકારી યોજનાઓનો લાભ લઈ શકતા નથી. સરકારે આવા સ્થળાંતરી શ્રમિકો માટે ખાસ નીતિ ઘડવાની જરૂર છે જેથી તેમનાં બાળકોનું જીવન પણ સુધરી શકે.
આપણામાં માનવતાનો અભાવ.
આ બધું જોતાં એવું લાગે છે કે આપણી માનવતા ક્યાંક ખોવાઈ ગઈ છે. આપણે એટલા સ્વાર્થી બની ગયા છીએ કે આપણી આસપાસની વેદના આપણને દેખાતી નથી. એક બાજુ આપણે એરકન્ડિશન્ડ ગાડીઓમાં ફરીએ છીએ, બીજી બાજુ આ બાળકો ફૂટપાથ પર ભૂખ્યાં સૂઈ રહ્યાં છે.
આપણે બધા એક શહેર એક દુનિયાનો ભાગ છીએ તો આ અસમાનતા કેમ? આપણે આ બાળકોની વેદના નથી સમજી શકતા કારણ કે આપણે તેમની જગ્યાએ પોતાને મૂકીને જોવાનો પ્રયત્નજ નથી કર્યો.
જ્યારે આપણે આ બાળકોને જોઈએ છીએ, ત્યારે આપણને દયા તો આવે છે, પરંતુ તે દયા ક્ષણિક હોય છે. આપણે ઘરે પાછા ફરીએ છીએ અને આપણું જીવન રાબેતામુજબ જીવીએ છીએ અને આ બાળકો જ્યાં છે ત્યાના ત્યાજ!!
શું આપણે આ બાળકો માટે કંઈક નથી કરી શકતા?
શું આપણે સમજુ સમાજ તરીકે, નાગરિક તરીકે, આ બાળકોના જીવનમાં થોડોક પ્રકાશ કેમ નથી લાવી શકતા?
આપણી પાસે સંસાધનો છે, શક્તિ છે, પણ શું ઇચ્છાશક્તિ નો અભાવ છે?
શું કરવું જોઈએ?
આ સમસ્યાનો ઉકેલ એકલી સરકાર પાસેથી નહીં આવે. આ માટે સરકાર, સમાજ અને સ્વૈચ્છિક સંસ્થાઓએ સાથે મળીને કામ કરવું પડશે. સૌથી પહેલાં શ્રમિકોના બાળકોને શિક્ષણની મુખ્ય ધારામાં લાવવા માટે ખાસ અભિયાન શરૂ કરવું જોઈએ. આ બાળકોને શાળામાં દાખલ કરવા માટે શ્રમિકોના કામના સ્થળો પાસે મોબાઇલ શાળાઓ કે અસ્થાયી શિક્ષણ કેન્દ્રો શરૂ કરી શકાય. આ ઉપરાંત, શ્રમિકોને તેમના બાળકોના શિક્ષણ માટે આર્થિક સહાય આપવી જોઈએ જેથી તેઓ મજૂરીના બદલે શિક્ષણને પ્રાથમિકતા આપે.
બીજું, આ શ્રમિક પરિવારોને યોગ્ય રહેઠાણની સુવિધા આપવી જરૂરી છે. ફ્લાયઓવરની નીચે કે ફૂટપાથ પર રહેવું એ કોઈ માણસનું જીવન નથી. સરકારે શ્રમિકો માટે સસ્તા આવાસો બનાવવા જોઈએ જેથી તેમનાં બાળકોને ઓછામાં ઓછું એક સુરક્ષિત છત મળે. આરોગ્ય સુવિધાઓ પણ આવા વિસ્તારોમાં પહોંચાડવી જોઈએ કારણ કે આ બાળકો ગંદકી અને બીમારીઓના સતત સંપર્કમાં રહે છે.
ત્રીજું, સમાજે પણ પોતાની જવાબદારી નિભાવવી જોઈએ. સ્થાનિક લોકો, વેપારીઓ અને સંસ્થાઓએ આ બાળકો માટે નાની નાની મદદ કરવી જજોઈશે જેમ કે જૂનાં કપડાં, ખોરાક કે શિક્ષણ સામગ્રીનું દાન. આ નાના પગલાં પણ આ બાળકોના જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે.
આજે આ શ્રમિક બાળકોની સ્થિતિ જોઈને એવું લાગે છે કે આપણે એક સમાજ તરીકે નિષ્ફળ ગયા છીએ. આ બાળકોની આંખોમાં જે નિરાશા છે, તે આપણી નિષ્ક્રિયતાનું પરિણામ છે. પરંતુ હજુ પણ વાર મોડી થઈ નથી. જો સરકાર અને સમાજ નક્કી કરે તો આ બાળકોનું ભવિષ્ય બદલાઈ શકે છે. આ બાળકોને શિક્ષણ, આરોગ્ય અને સન્માનજનક જીવન આપવું એ ફક્ત તેમનો હક નથી પણ આપણી નૈતિક જવાબદારી છે. આજે આપણે નહીં વિચારીએ તો કાલે આ બાળકો આપણને પૂછશે કે “તમે અમારા માટે શું કર્યું ?” અને તે વખતે આપણી પાસે જવાબ નહીં હોય. ચાલો, આજે નક્કી કરીએ કે આ તડકે તપતાં બાળકોનું ભવિષ્ય અંધારું નહીં રહે, પણ તેમના જીવનમાં પણ એક નવી સવાર લાવીશું.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને સમાજસેવક છે. લેખમાં વ્યક્ત કરેલા વિચારો તેમના અંગત વિચારો છે.)
Related Posts
Top News
નરેશભાઈ પટેલ: સ્વાર્થ અને અપેક્ષા વિના ખોડલધામથી પાટીદાર સમાજ માટે સેવા કરનાર વ્યક્તિ
બ્લેક મંડે: કોવિડ પછી બજારમાં સૌથી મોટી તબાહી, સેન્સેક્સ 3914 અને નિફ્ટી 1146 પોઈન્ટ તૂટ્યો
આ ટાપુ દેશ 91 લાખમાં વેચી રહ્યો છે સીટિઝનશીપ, જાણી લો કારણ
Opinion
-copy7.jpg)