- Governance
- મોદી સરકાર સફળ રહી... વક્ફ સંશોધન બિલ લોકસભામાં મંજૂર
મોદી સરકાર સફળ રહી... વક્ફ સંશોધન બિલ લોકસભામાં મંજૂર

2 એપ્રિલ 2025ના રોજ લોકસભામાં વક્ફ સંશોધન બિલને મંજૂરી મળી છે જે ભારતના રાજકીય અને સામાજિક પરિદૃશ્યમાં એક મહત્ત્વપૂર્ણ ઘટના તરીકે નોંધાશે. આ બિલના પક્ષમાં 288 મત પડ્યા હતા અને વિરોધમાં 232 મત પડ્યા હતા. આ સાથે જ બહુમતિથી વક્ફ સંશોધન બિલને પાસ કરી દેવામાં આવ્યું છે. આ બિલ લાંબા સમયથી ચર્ચા અને વિવાદનું કેન્દ્ર રહ્યું છે અને વક્ફ સંપત્તિઓના વહીવટ અને નિયમનમાં સુધારા લાવવાના ઉદ્દેશ્ય સાથે રજૂ કરવામાં આવ્યું હતું. સરકારના મતે આ સંશોધનો વક્ફ બોર્ડની કામગીરીને પારદર્શી બનાવશે અને સંપત્તિના દુરુપયોગને રોકશે જ્યારે વિરોધી પક્ષો અને કેટલાક મુસ્લિમ સંગઠનો તેને ધાર્મિક સ્વાયત્તતા પર હસ્તક્ષેપ તરીકે જુએ છે. આ ઘટના બંને પક્ષોના તર્કોને સમજવાની તક આપે છે.
વક્ફ સંશોધન બિલનો મુખ્ય હેતુ વક્ફ સંપત્તિઓની નોંધણી ફરજિયાત કરવી, મહિલાઓને બોર્ડમાં સ્થાન આપવું અને સરકારી તંત્રને તેના નિરીક્ષણની સત્તા આપવી છે. સરકારનું કહેવું છે કે આ પગલાંથી વક્ફની મિલકતોનું સંરક્ષણ થશે અને તેનો ઉપયોગ સમાજના હિતમાં થશે. ઉદાહરણ તરીકે ઘણી વખત વક્ફની જમીનો પર અતિક્રમણ અથવા ગેરકાયદેસર ઉપયોગની ફરિયાદો સામે આવી છે. આ બિલમાં એવી જોગવાઈ છે કે હવે મૌખિક દાવાઓને બદલે લેખિત દસ્તાવેજોના આધારે જ સંપત્તિને વક્ફ તરીકે નોંધવામાં આવશે જેનાથી વિવાદો ઘટશે એવી આશા છે.
બીજી તરફ વિરોધીઓનું માનવું છે કે આ બિલ વક્ફ બોર્ડની સ્વાયત્તતા છીનવી લેશે અને સરકારને અતિશય હસ્તક્ષેપની તક આપશે. તેમનો તર્ક છે કે વક્ફ એ ઇસ્લામિક પરંપરાનો ભાગ છે જે ધાર્મિક અને સામાજિક કલ્યાણ માટે સમર્પિત છે. સરકારી નિયંત્રણ વધવાથી આ પરંપરા પર અસર પડી શકે છે. આ મુદ્દે લોકસભામાં ગરમાગરમ ચર્ચા થઈ જેમાં વિપક્ષે સરકારના ઇરાદા પર સવાલ ઉઠાવ્યા હતા.
આ બિલને સંયુક્ત સંસદીય સમિતિ (JPC)માં મોકલવામાં આવ્યું હતું જેણે તેનો અભ્યાસ કરીને રિપોર્ટ સોંપ્યો. JPCની ભલામણો બાદ લોકસભામાં આજે થયેલી ચર્ચા અને મતદાનમાં સરકારે બહુમતી સાબિત કરી. ભાજપે તેના સાંસદોને ત્રણ લાઇનનો વ્હિપ જારી કરીને હાજરી ફરજિયાત કરી હતી જ્યારે સહયોગી પક્ષો જેમ કે JDU અને TDPએ પણ સમર્થન આપ્યું. આનાથી સ્પષ્ટ થાય છે કે સરકાર આ મુદ્દે પીછેહઠ કરવાના મૂડમાં નથી.
આ બિલની અસર લાંબા ગાળે જોવા મળશે. એક તરફ તે વહીવટી સુધારા અને પારદર્શિતા લાવી શકે છે પરંતુ બીજી તરફ સમુદાયો વચ્ચે અવિશ્વાસ પેદા થવાની શક્યતા પણ નકારી શકાય નહીં. સમાજના તમામ વર્ગો સુધી આના ફાયદા પહોંચે અને ધાર્મિક સંવેદનાઓનું સન્માન જળવાય તે માટે સંતુલિત અમલની જરૂર રેહશે. આજની મંજૂરી એ શરૂઆત છે હવે રાજ્યસભા અને તેના અમલીકરણની પ્રક્રિયા આ બિલનું ભાવિ નક્કી કરશે.
દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે લોકસભામાં વકફ (સંશોધન) બિલ 2025 પર ચર્ચા દરમિયાન એક જોરદાર ભાષણ આપ્યું. આ બિલના મહત્વ પર પ્રકાશ પાડતાં તેમણે વિપક્ષના આક્ષેપોનો સણસણતો જવાબ આપ્યો અને સ્પષ્ટ કર્યું કે આ કાયદો દેશના હિતમાં છે જે દરેકે સ્વીકારવો પડશે.
તેમણે ભાષણમાં જણાવ્યું કે "એક સભ્યે કહ્યું કે લઘુમતીઓ આ કાયદો નહીં સ્વીકારે. ધમકાવવા કોને માગો છો? આ સંસદનો કાયદો છે, ભારત સરકારનો કાયદો છે, અને તે દરેક માટે બંધનકર્તા રહેશે." તેમણે વિપક્ષ પર આક્ષેપ લગાવ્યો કે તેઓ રાજકીય કારણોસર દેશભરમાં ભ્રમ ફેલાવી રહ્યા છે. "આ બિલનો હેતુ વકફ સંપત્તિઓનું સંરક્ષણ અને પારદર્શિતા લાવવાનો છે, પરંતુ વિપક્ષ તેને ખોટી રીતે રજૂ કરી રહ્યો છે," એમ તેમણે ઉમેર્યું.
ગૃહમંત્રીએ બિલના હેતુ પર ભાર મૂકતાં કહ્યું કે આ સંશોધન વકફ સંપત્તિઓના સંચાલનમાં સુધારા લાવવા અને તેનો દુરુપયોગ રોકવા માટે લાવવામાં આવ્યું છે. "આ બિલથી કોઈ સમુદાયને નુકસાન નહીં થાય પરંતુ તે દેશના હિતમાં કામ કરશે" એમ તેમણે સ્પષ્ટ કર્યું.
Related Posts
Top News
હીટવેવથી બાળકોને બચાવવા શિક્ષણ વિભાગે રાજ્યની તમામ શાળાઓને આ સૂચના આપી
બુલડોઝર નીતિનો ગુજરાત ભાજપના જ નેતાએ વિરોધ કર્યો
નીચે જતા બજારમાં શું કરવું જોઈએ? રોકાણના ધોવાણને કેવી રીતે અટકાવવું? જાણો સમસ્યાનો ઉકેલ
Opinion
-copy-recovered3.jpg)