- National
- સંજય રાઉતના મતે આ રાજ્યમાંથી હશે PM મોદીનો રાજકીય ઉત્તરાધિકારી, RSS નક્કી કરશે
સંજય રાઉતના મતે આ રાજ્યમાંથી હશે PM મોદીનો રાજકીય ઉત્તરાધિકારી, RSS નક્કી કરશે

નાગપુરમાં RSS મુખ્યાલયની PM નરેન્દ્ર મોદીની મુલાકાતના એક દિવસ પછી, ઉદ્ધવ ઠાકરેના શિવસેના નેતા સંજય રાઉતના નિવેદનથી બધા ચોંકી ગયા છે. સંજય રાઉતે કહ્યું કે, PM મોદી આ વર્ષે 75 વર્ષના થવાના છે, તેથી તેઓ તેમની નિવૃત્તિ યોજના અંગે ચર્ચા કરવા માટે RSS મુખ્યાલય ગયા હતા. રાઉતે દાવો કર્યો હતો કે, PM નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી કોણ હશે તે સંઘ નક્કી કરશે. તેમણે એમ પણ કહ્યું કે PM મોદીનો ઉત્તરાધિકારી મહારાષ્ટ્રનો હશે. રાઉતે દાવો કર્યો હતો કે, 'તેઓ (PM મોદી) સપ્ટેમ્બરમાં નિવૃત્તિ માટે અરજી લખવા માટે RSS મુખ્યાલય ગયા હશે.' તેમણે એમ પણ કહ્યું કે, RSS દેશમાં રાજકીય નેતૃત્વમાં પરિવર્તન ઇચ્છે છે.

સંજય રાઉતે કહ્યું કે PM બન્યા પછી, PM મોદી 11 વર્ષ સુધી RSS મુખ્યાલય ગયા ન હતા, પરંતુ હવે તેઓ ત્યાં ગયા હતા અને કહ્યું કે તેઓ સત્તા છોડવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, એ સ્પષ્ટ છે કે PM મોદી 75 વર્ષના થયા પછી આ પદ છોડી દેશે. રાઉત RSS અને BJPની અઘોષિત નીતિનો ઉલ્લેખ કરી રહ્યા છે, જ્યાં વય મર્યાદા 75 વર્ષ નક્કી કરવામાં આવી છે. રાઉતે કહ્યું કે એવું લાગે છે કે સંઘે નિર્ણય લીધો છે અને તેથી જ PM મોદીને બોલાવવામાં આવ્યા હતા. બંધ દરવાજા પાછળ જે ચર્ચા થઈ તે કદાચ બહાર નહીં આવે, પરંતુ ઘણા સંકેતો આ તરફ ઈશારો કરે છે. તેમણે કહ્યું કે નવા નેતાની પસંદગી સંઘ દ્વારા કરવામાં આવશે અને કદાચ તે મહારાષ્ટ્રમાંથી હશે.
આ અંગે RSSએ પ્રતિક્રિયા આપી છે. નાગપુરમાં પત્રકારો સાથે વાત કરતા, RSSના વરિષ્ઠ નેતા સુરેશ ભૈયાજી જોશીએ પણ કહ્યું કે, તેમને PMની નિવૃત્તિ અંગે કોઈ ચર્ચાની જાણ નથી.

BJP તરફથી પણ સંજય રાઉતના નિવેદનનો તાત્કાલિક ઇનકાર કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસે આવી અટકળોનો અંત લાવ્યો અને કહ્યું કે, PM મોદી આગામી ઘણા વર્ષો સુધી દેશનું નેતૃત્વ કરતા રહેશે. CM ફડણવીસે નાગપુરમાં કહ્યું કે, આપણે 2029માં PM મોદીને ફરીથી PM બનતા જોઈશું. કોઈ ઉત્તરાધિકારીની શોધ કરવાની જરૂર નથી. PM મોદી અમારા નેતા છે અને રહેશે.
આ સાથે CM ફડણવીસે કહ્યું કે, અમારી સંસ્કૃતિમાં જ્યાં સુધી પિતા જીવિત છે ત્યાં સુધી ઉત્તરાધિકારીની વાત થતી નથી. આ બધું મુઘલ સંસ્કૃતિમાં થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 11 વર્ષ સુધી PM પદ સંભાળ્યા પછી રવિવારે પહેલી વાર નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મુખ્યાલય પહોંચેલા PM નરેન્દ્ર મોદીએ RSSને ભારતની અમર સંસ્કૃતિનું 'વૃક્ષ' ગણાવ્યું હતું. નાગપુરમાં RSS મુખ્યાલયની મુલાકાત લેનારા મોદી બીજા PM છે. RSSના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અટલ બિહારી વાજપેયી વર્ષ 2000માં તેમના ત્રીજા કાર્યકાળ દરમિયાન અહીં આવ્યા હતા. આ PM મોદીનો પણ ટોચના પદ પરનો ત્રીજો કાર્યકાળ છે.
Related Posts
Top News
8 વર્ષની ગુમ બાળકીને શોધવા સુરત પોલીસે પહેલીવાર ડ્રોનનો ઉપયોગ કર્યો
4 મોંઘી કાર, 2 કરોડનું ઘર... લેડી કોન્સ્ટેબલ બરતરફ, IGએ તપાસના આદેશ આપ્યા
'CID'માં ખતમ થઈ ગઇ ACP પ્રદ્યુમનની સફર! શૉમાં આવશે મોટું ટ્વીસ્ટ
Opinion
