- Opinion
- સમાજસેવા કરવા ધારાસભ્ય કે સંસદસભ્ય થવું અનિવાર્ય નથી
સમાજસેવા કરવા ધારાસભ્ય કે સંસદસભ્ય થવું અનિવાર્ય નથી

(ઉત્કર્ષ પટેલ)
રાજકારણ અને સમાજસેવા એ બે એવા વિષયો છે જે એકબીજા સાથે જોડાયેલા લાગે છે પરંતુ તેમની વચ્ચે એક સૂક્ષ્મ અને મહત્ત્વનો ભેદ છે. ઘણા લોકો એવું માને છે કે સમાજસેવા કરવા માટે ધારાસભ્ય કે સંસદસભ્ય થવું જરૂરી છે પરંતુ શું ખરેખર આ જરૂરી છે? આ પ્રશ્નનો જવાબ આપણને સમાજસેવા અને રાજકારણના મૂળભૂત સ્વરૂપને સમજવામાં મદદ કરે છે.
સમાજસેવા એટલે સમાજ અને લોકોની ભલાઈ માટે કરવામાં આવતું કાર્ય. આ માટે સત્તાની કોઈ જરૂર નથી. એક સામાન્ય વ્યક્તિ પણ પોતાના ગામમાં શિક્ષણની સુવિધા પૂરી પાડી શકે છે, ગરીબોને મદદ કરી શકે છે કે પછી પર્યાવરણની જાળવણી માટે પગલાં લઈ શકે છે. સમાજસેવાનો હેતુ હંમેશા નિઃસ્વાર્થ હોય છે. તેમાં પોતાનો ફાયદો કે સત્તાની લાલસા નથી હોતી. દાખલા તરીકે ગુજરાતના અનેક ગામડાઓમાં લોકોએ પોતાની રીતે પાણીની સમસ્યા હલ કરવા માટે ચેકડેમ બનાવ્યા છે. આ કાર્યમાં તેમને કોઈ સરકારી પદની જરૂર નથી પડી માત્ર સમર્પણ અને સમાજ પ્રત્યેની લાગણી જરૂરી હતી.
સમાજસેવા એક એવું ક્ષેત્ર છે જેમાં વ્યક્તિ પોતાની ક્ષમતા અને સંસાધનોનો ઉપયોગ સમાજના ઉત્થાન માટે કરે છે. આ માટે નાના સ્તરેથી શરૂઆત થઈ શકે છે. ગામ, શહેર, રાજ્ય અને દેશ દરેક સ્તરે સેવા આપવી એ જ સાચી સમાજસેવા છે. આ કાર્યમાં સત્તા નહીં પરંતુ સમર્પણ અને સહાનુભૂતિની જરૂર હોય છે.
બીજી બાજુ રાજકારણ એ સત્તા સાથે ગાઢ રીતે જોડાયેલું છે. રાજકારણનો મુખ્ય હેતુ નીતિઓ ઘડવી, શાસન કરવું અને સમાજને ચોક્કસ દિશામાં લઈ જવાનો હોય છે. આ માટે ધારાસભ્ય કે સંસદસભ્ય જેવા પદો મહત્ત્વની ભૂમિકા ભજવે છે કારણ કે તેમના દ્વારા જ કાયદાઓ ઘડાય છે અને તેનો અમલ થાય છે. પરંતુ રાજકારણમાં સત્તા હંમેશા કેન્દ્રમાં હોય છે અને ઘણીવાર આ સત્તા વ્યક્તિગત લાભ કે પ્રભુત્વ માટે પણ વપરાય છે.
ગુજરાતના રાજકીય ઇતિહાસ પર નજર નાખીએ તો અનેક નેતાઓએ સમાજસેવાથી શરૂઆત કરીને રાજકારણમાં પ્રવેશ કર્યો છે. પરંતુ જેમ જેમ તેઓ સત્તા સુધી પહોંચ્યા તેમનું ધ્યાન સમાજસેવાથી રાજકીય લાભ તરફ વળ્યું. આ બાબત સ્પષ્ટ કરે છે કે રાજકારણમાં સત્તા એ એક મહત્ત્વનું પરિબળ છે જ્યારે સમાજસેવામાં તેની કોઈ જરૂર નથી.
જોકે સમાજસેવા અને રાજકારણને સંપૂર્ણપણે અલગ કરી શકાય નહીં. એક સારો રાજકારણી સમાજસેવાના ભાવ સાથે કામ કરી શકે છે. ઉદાહરણ તરીકે, સરદાર વલ્લભભાઈ પટેલ, નરેન્દ્રભાઈ મોદી રાજકારણમાં રહીને પણ સમાજસેવાને પોતાનું મુખ્ય ધ્યેય બનાવ્યું. તેમનું જીવન એ દર્શાવે છે કે સત્તાનો ઉપયોગ જો સમાજના હિત માટે થાય તો રાજકારણ પણ સમાજસેવાનું સ્વરૂપ લઈ શકે છે. પરંતુ આવા ઉદાહરણો દુર્લભ છે.
આજના સમયમાં રાજકારણ ઘણીવાર વ્યક્તિગત સ્વાર્થ અને પક્ષપાત સાથે જોડાઈ ગયું છે. ચૂંટણી જીતવા માટે લોકોને મોટામોટા વાયદા કરવામાં આવે છે પરંતુ સત્તામાં આવ્યા પછી તે વાયદા ભૂલાઈ જાય છે. આનાથી વિપરીત સમાજસેવા એક વણથંભી પ્રક્રિયા છે જેમાં કોઈ વાયદાની જરૂર નથી ફક્ત સતકર્મની જરૂર છે.
સમાજ, ગામ, શહેર, રાજ્ય અને દેશ... આ બધા માટે આપણું સમર્પણ એ જ સાચી સેવા છે. આ સમર્પણ નાના સ્તરેથી શરૂ થઈ શકે છે. દાખલા તરીકે જો એક વ્યક્તિ પોતાના ગામમાં સ્વચ્છતા અભિયાન ચલાવે તો તે ગામની સેવા છે. જો તે જ અભિયાન શહેર સુધી પહોંચે તો તે શહેરની સેવા બને. આ રીતે નાના પગલાંઓથી મોટા પરિવર્તનની શરૂઆત થઈ શકે છે.
ગુજરાતમાં અનેક સામાજિક સંસ્થાઓએ આનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ખોડલધામ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, સ્વામિનારાયણ સંસ્થાનો તથા અન્ય જાણીતી સેવાભાવથી કામ કરતી સંસ્થાઓએ શિક્ષણ, આરોગ્ય અને ગરીબી નિવારણ જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે અને તે પણ કોઈ સત્તા વિના. આ બતાવે છે કે સમાજસેવા માટે ઈચ્છાશક્તિ અને સમર્પણ જરૂરી છે રાજકીય પદ નહીં.
આખરે સમાજસેવા અને રાજકારણ વચ્ચેનો ભેદ સ્પષ્ટ છે. સમાજસેવા એ નિઃસ્વાર્થ ભાવનાથી થતું કાર્ય છે જ્યારે રાજકારણ સત્તા અને શાસન સાથે જોડાયેલું છે. બંનેનું લક્ષ્ય સમાજનું કલ્યાણ હોઈ શકે છે પરંતુ તેની પદ્ધતિ અને હેતુ અલગ છે. આજના સમયમાં જ્યારે રાજકારણમાં સ્વાર્થ વધી રહ્યો છે ત્યારે સમાજસેવાનું મહત્ત્વ વધુ સ્પષ્ટ થાય છે. આપણે બધાએ આ વાતને સમજવાની જરૂર છે કે સમાજની સેવા માટે સરપંચ, નગરસેવક, ધારાસભ્ય કે સંસદસભ્ય થવું જરૂરી નથી. જરૂરી છે માત્ર એક સમર્પિત મન અને સેવાની ભાવનાની.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને સમાજસેવક છે. લેખમાં વ્યક્ત કરેલા વિચારો તેમના અંગત વિચારો છે.)
About The Author
Top News
ધરતી પર પરત ફરતા જ સેન્ડવીચ કેમ ખાધી? સુનિતા વિલિયમ્સે સંભળાવ્યો પિતા સાથે જોડાયેલો કિસ્સો
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
નોબેલ પુરસ્કાર માટે નામિત થયા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન, લાંબા સમયથી છે જેલમાં બંધ
Opinion
