વાણી અને વર્તન શીખીએ શ્રી રામથી, વ્યવહાર શીખીએ શ્રી કૃષ્ણથી… 

PC: x.com

જીવન મળ્યું, જીવી જાણવું સૌને ગમે પણ કેમ જીવવું એ શીખવાનું જે ચૂકીગયા તેઓ હંમેશા પસ્તાયા. 

કલયુગે આપણે વિચાર ભલે નવા રાખીએ પરંતુ વાણી, વર્તન અને વ્યવહાર તો જુનવાણી જ રાખવા જોઈએ એવું મારું વ્યક્તિગત માનવુ છે. 

આજે આપણે પ્રથમ વાત કરીએ વાણી અને વર્તનની…

પ્રભુ શ્રી રામ એક આદર્શ પુત્ર, ભાઈ, પતિ, રાજા તરીકે તેમનું નામ યુગે યુગે યાદ કરવામાં આવ્યું અને યાદ કરવામાં આવશે. સમગ્ર જીવન શ્રી રામ સત્ય, ધર્મ, દયા અને મર્યાદાના માર્ગ પર ચાલ્યા હતા. અને આ બધુજ તેમની વાણી અને વર્તન ની મર્યાદાને આભારી હતું. ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર એવા પ્રભુ શ્રી રામના જીવનથી આપણે વાણી અને વર્તન ની મર્યાદા શીખી લેવી જોઈએ. થોડો પ્રયાસ કરશો અને જીવન વ્યવહારમાં લાવશો તો કરી શકશો. જીભથી નિકળ્યા બોલ એટલે આપણી વાણી એ બધીજ સમસ્યાઓનું કારક પણ બની શકે અને સમાધાન પણ બની શકે. 

હવે વાત કરીએ વ્યવહારની… 

દ્વાપર યુગમાં અસંખ્ય રાક્ષસો માનવ સ્વરૂપે પૃથ્વી પર અવતર્યા હતા. જેમ કે દુર્યોધન કળિયુગનો અવતાર હતો અન્યમાં નરકાસુર અને કલયવાન પણ ભગવાનના ભક્તોને રાક્ષસોના રૂપમાં રંજાડતા હતા, પરિણામ સ્વરૂપે અધર્મ વધતો ગયો. ભગવાન વિષ્ણુ શ્રી કૃષ્ણ રૂપે આઠમે અવતાર અવતર્યા અને વ્યવહાર કુશળતાથી અધર્મીઓનો નાશ કર્યો અને ધર્મની સ્થાપના કરી. શ્રી કૃષ્ણે અર્જુનને ગીતા ઉપદેશ રૂપે જીવન વ્યવહારની નીતિ શીખવાડી અને અધર્મ પર ધર્મ નો વિજય સંભવ બનાવ્યો. પ્રભુ શ્રી કૃષ્ણના જીવનથી આપણે શીખી લેવા જેવી વાત એ છે કે જીવનમાં ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ સૌમ્ય સ્મિત સાથે પ્રેમ, સામ, દામ, દંડ, ભેદના વ્યવહારથી અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરી શકાય છે. 

મારી વ્યક્તિગત વાત કરું તો… 

જન્મે કુળે વ્યવહાર કર્મે હું રહ્યો હિન્દુ અને ધર્મ રક્ષાર્થે કાર્યરત રહેવું એ મને મારા લોહીમાં મળેલા સંસ્કાર છે એટલે હું રામાયણ મહાભારત અને ગીતાના ડાયરામાજ રહું છું. અન્ય ધર્મગ્રંથોમાં પણ સારા જીવન ઉપદેશ હશે એમને સમજવાનો અવસર મળશે તો એ પણ જાણવાનું સમજવાનું મને ગમશે.

પ્રભુ શ્રી રામ અને શ્રી કૃષ્ણના જીવન સંદર્ભે વડીલો, ગુણીજનો અને પૂજ્ય સંતો મહંતો પાસેથી વાણી, વર્તન અને વ્યવહારનું અંગત જીવન અને સામાજિક જીવન સંદર્ભે જે મહત્ત્વ હું સમજ્યો શીખ્યો અને એ મુજબનું જીવન જીવતા મને સુખ સંતોષ મળે છે. 

હૃદયમાં શ્રી રામ તો વાણી અને વર્તન રહે મર્યાદામાં. 

અને મનમાં રાખીએ શ્રી કૃષ્ણ તો સમયને અનુકૂળ નીતિ મુજબ મર્યાદા પૂર્વક શાંત ચિત્તે પ્રેમ, સામ, દામ, દંડ, ભેદના વ્યવહાર મુજબ ધાર્યુ કાર્ય પરિપૂર્ણ કરી શકાય. 

અગત્યનું: 

હૃદય અને મનનું અનુક્રમે શ્રી રામ અને શ્રી કૃષ્ણની નીતિ મુજબ સંતુલન કરીને જીભનો ઉપયોગ કરીએ તો દુનિયા જીતવા માટે અસ્ત્ર શસ્ત્રની જરૂર છેજ નહીં આપણી જીભ બધીજ પરિસ્થિને નિયંત્રિત કરી શકે છે!! 

જય શ્રી રામ 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp