વિરોધ બાદ ગિરનાર રોપ-વેનું ભાડું ઘટાડાયું, પણ ઘટાડો જાણી તમે કહેશો શું મજાક છે આ

PC: liveplanet.com

સાપુતારા, અંબાજી અને પાવાગઢ કરતા પણ ગિરનાર રોપ-વેની સફર સૌથી મોંઘી થતા ભારે ઉહાપોહ થયો હતો. ગિરનારનો રોપ-વે લૂંટ વે બનતા વિરોધ કરવામાં આવ્યો હતો. હવે અનેક રજૂઆત અને વિરોધ બાદ ગિરનારના રોપ-વે ચાર્જિસમાં આંશિક ઘટાડો કરવામાં આવ્યો છે. ભાડું ઓછું કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સુધી રજૂઆત કરવામાં આવી હતી.

ત્યાર બાદ હવે નવા ભાડાની રકમનું એલાન કરવામાં આવ્યું છે. જે ઘટાડો કરવામાં આવ્યો છે એમાં GST ચાર્જ ભાડામાં સમાવી લેવાની જાહેરાત કરવામાં આવી છે. ટિકિટના રેટ પર જે અલગથી 18 ટકા GST વસુલ કરવામાં આવતો હતો એ હવે ટિકિટની રકમમાં જ આવી જશે. નવી જાહેરાત અનુસાર પુખ્તવયના લોકો માટે ટિકિટનો દર રૂ.700 રહેશે. આ કિંમતમાં વ્યક્તિ ઉપર જઈને નીચે પરત ફરી શકશે. જ્યારે બાળકો માટે આવવા-જવા બંનેનો દર રૂ.350 રહેશે. આ પહેલા ટિકિના દર પર GST ચાર્જ અલગથી વસુલ કરવામાં આવતો હતો. ગિરનાર પર અંબાજી સુધીના ભાવ રૂ.708 હતા જે પછીથી રૂ.826 થવાના હતા. જ્યારે એક તરફી મુસાફરી માટે રૂ.400 ચૂકવવાના થશે. જોકે, કંપનીએ માત્ર રૂ.8 ઘટાડીને એક લોલીપોપ આપી છે.

આ ઉપરાંત પાંચ વર્ષ સુધીના કોઈ બાળકોની ટિકિટ લેવામાં નહીં આવે. પાંચથી દસ વર્ષ સુધીના બાળકો માટે ટિકિટ લેવી પડશે. 10વર્ષથી વધું ઉંમરના બાળકો માટે ફૂલ ટિકિટ લેવાની રહેશે. જ્યારે દિવ્યાંગ વ્યક્તિઓને ટિકિટમાં રાહત મળી રહેશે. આ માટે તેમણે પોતાનું ઓળખપત્ર દેખાડવું પડશે. ટિકિટ એક જ દિવસ પૂરતી માન્ય રહેશે. ટિકિટ લીધા બાદ ફરી રીફંડ નહીં મળે. અગાઉ બાળકોની ટિકિટ માટે રૂ.354 ચૂકવવાના થતા. જેમાંથી હવે માત્ર રૂ. 4 નો ફાયદો કંપનીએ કરાવ્યો છે. સાપુતારામાં રોપ-વેના ચાર્જિસ રૂ.62, અંબાજીમાં રૂ.118, પાવાગઢમાં રૂ.141 જ્યારે જૂનાગઢમાં રૂ.826 છે.

જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ ગિરનાર રોપ-વેનું ભાડું સામાન્ય પ્રજાને પોસાય એટલું રાખવા માટે માગ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આ રોપ વે જૂનાગઢ કરતા ત્રણ ગણો લાંબો છે પણ ભાડું છ ગણું વધારે છે. જે સામાન્ય લોકોને પોસાય એટલું રાખવામાં આવે. ભીખાભાઈ જોષીએ આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. એક એવી માંગ પણ કરી છે કે, ગરીબ વર્ગ ભાવને કારણે આ રોપ વેનો લાભ નહીં લઈ શકે, સરકાર તથા મુખ્યમંત્રી દરમિયાનગીરી કરીને ભાડું રૂ.300 જેટલું રાખે તો લોકોને પરવડે. આવી સ્થિતિને કારણે જૂનાગઢ આવતા પ્રવાસીઓની સંખ્યા ન વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ધારાસભ્યના મતે રીટર્ન ટિકિટનો દર રૂ. 300 હોવો જોઈએ. જ્યારે જૂનાગઢના મેયર ધીરૂભાઈ ગોહેલે જણાવ્યું કે, ટિકિટના દર રૂ.400 રાખવા જોઈએ. આ અંગે તેમણે મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે. જોકે, સરકાર અને એજન્સીએ છેક સુધી રોપ-વેના ભાવને લઈને લોકોને અંધારામાં રાખ્યા હતા. રોપ વે શરૂ થતા જ રૂ. 708 વસુલ કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp