યુટ્યુબરે ટ્રેક પર મુક્યા પથ્થર-સિલિન્ડર, VIDEO વાયરલ થતા ઝડપાયો
દેશમાં છેલ્લા કેટલાક સમયથી રેલ્વે અકસ્માતોમાં વધારો થયો છે. જેના કારણે રેલવે અને રેલવે મંત્રાલય સવાલોના ઘેરામાં છે. આવી સ્થિતિમાં જો કોઈ રેલવે ટ્રેક સાથે છેડછાડ કરતા પકડાશે તો શું થશે? UPના યુટ્યુબર સાથે પણ આવું જ થશે. તેના કેટલાક વીડિયો સામે આવ્યા છે, જેમાં તે કથિત રીતે રેલવે ટ્રેક સાથે છેડછાડ કરતો જોવા મળ્યો હતો. જ્યારે આ મામલો UP પોલીસના ધ્યાન પર આવ્યો તો તેઓએ તે છોકરાની ધરપકડ કરી.
તાજેતરમાં, યુટ્યુબરના એક વાયરલ વીડિયોએ વિવાદને જન્મ આપ્યો હતો. વીડિયોમાં યુટ્યુબર વ્યૂઝ માટે હજારો લોકોનો જીવ જોખમમાં મૂકતો જોવા મળ્યો હતો. મામલો UPના પ્રયાગરાજના લાલગોપાલગંજનો છે.
અહીં યુટ્યુબર ગુલઝાર શેખના એક વીડિયોમાં તે રેલ્વે ટ્રેકની કિનારે ઉભો છે અને દરેક ટ્રેનના આગમન પહેલા તે ટ્રેક પર કોઈને કોઈ વસ્તુ મૂકી રહ્યો છે. તે પણ માત્ર એક નાનો કાંકરો કે સિક્કો નહીં, પણ મોટા પથ્થરો, જીવતી મરઘી, બાળકોની સાયકલ અને એક નાનો ગેસ સિલિન્ડર પણ. તે દરેક વસ્તુને ટ્રેક પર રાખી રહ્યો છે અને ટ્રેન પસાર થતો જોઈ રહ્યો છે.
આ બધાથી કોઈ દુર્ઘટના થઈ કે નહીં તે જાણી શકાયું નથી, પરંતુ તે ભયાનક બની શક્યું હોત અને તેના કારણે હજારો મુસાફરોએ જીવ ગુમાવ્યા હોત. 10મું પાસ 24 વર્ષીય ગુલઝાર આખો દિવસ વીડિયો અને રીલ બનાવે છે. તેણે આ વીડિયો એપ્રિલમાં પોસ્ટ કર્યો હતો. તેની ‘ગુલઝાર ઈન્ડિયન હેકર’ નામની યુટ્યુબ ચેનલ છે. વિવિધ પ્રકારની રીલ અને વીડિયો બનાવે છે અને તેના પર પોસ્ટ કરે છે. ચેનલ પર પોસ્ટ કરવામાં આવેલા તમામ વીડિયો રેલવે ટ્રેક સાથે સંબંધિત છે. મોટાભાગના વીડિયો લાલ ગોપાલગંજમાં નિર્જન જગ્યાએથી પસાર થતા રેલવે ટ્રેક પર બનાવવામાં આવ્યા છે.
ગુલઝાર આ વસ્તુઓને રેલ્વે ટ્રેક પર મૂકીને વિચિત્ર પ્રયોગો કરી રહ્યો હતો કે જ્યારે તે આવું કરે ત્યારે શું થાય છે. RPFએ ગુલઝારના આ પ્રયોગને રેલ્વે સુરક્ષા માટે ગંભીર મામલો ગણાવ્યો છે. આ રીતે રેલવે ટ્રેક સાથે છેડછાડ કરીને વીડિયો બનાવવો પણ ખતરાથી મુક્ત નથી. આ કાર્યવાહીના કારણે ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાઈ શકે છે.
વીડિયો વાયરલ થયા પછી રેલવે પ્રશાસને કડક કાર્યવાહી કરી છે અને RPFએ યુવક વિરુદ્ધ FIR નોંધી છે. આ માહિતી પ્રયાગરાજ નવાબગંજ પોલીસ સ્ટેશનને આપવામાં આવી છે. આ પછી નવાબગંજ પોલીસ સ્ટેશને આરોપી યુવકને RPFને સોંપી દીધો છે અને યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
A YouTuber named Gulzar Sheikh puts random things on railway tracks, records it and uploads it on social media.
— Mr Sinha (@MrSinha_) August 1, 2024
It is too dangerous. Hope @Uppolice will nab him asap. pic.twitter.com/zgrARxvHmW
DCP (ગંગાનગર)ના જણાવ્યા મુજબ, આરોપી ગુલઝાર શેખ તેની યુટ્યુબ ચેનલ પર રેલવે ટ્રેક પર વિવિધ વસ્તુઓ મૂકવાના વીડિયો અપલોડ કરતો હતો, જેની સામે રેલ્વે પ્રોટેક્શન ફોર્સ દ્વારા 233/224 RPF પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. નવાબગંજ પોલીસ સ્ટેશને આરોપી યુવકને RPFને સોંપી દીધો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp